Sunday, March 3, 2013

ઉંદરો હવે ટેલિપથીમાં પણ સક્ષમ થયા !


ન્યૂયોર્ક, તા. ૩
અમેરિકા અને બ્રાઝિલમાં બેઠેલા ઉંદરો પર પ્રયોગ કરાયો
અમેરિકાના વિજ્ઞાનીઓએ ટેલિપથીનાં માધ્યમથી અન્ય કોઈ વ્યક્તિનાં મસ્તિષ્કને વાંચી શકવાની કલ્પનાને વાસ્તવિકતામાં ફેરવી છે, તેમણે વિશ્વના બે અલગ અલગ દેશોમાં બેઠેલા ઉંદરનાં મસ્તિષ્કોને ઇન્ટરનેટનાં માધ્યમથી એકબીજા સાથે જોડાવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ટેલિપથી એવી પ્રક્રિયાને કહેવાય છે કે,જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિનાં મસ્તિષ્કને વાંચી તેના વિચારો જાણી શકે છે. ડયુક યુનિર્વિસટીના ન્યૂરોબાયોલોજિસ્ટ મિગુઅલ નિકોલસના જણાવ્યાનુસાર, બ્રાઝિલના એક ઉંદરનાં મસ્તિષ્કને ઇન્ટરનેટ વડે અમેરિકામાં બેઠેલા ઉંદરની સાથે જોડી દેવાયાં હતાં.
પહેલાં તો વિજ્ઞાાનીઓએ વાળના કદના ૧૦૦મા ભાગ જેટલા બારીક સેન્સરને ઉંદરનાં મસ્તિષ્કમાં ફિટ કરી તેમને ઇન્ટરનેટનાં માધ્યમથી એકબીજા સાથે જોડી દીધાં હતાં ત્યાર પછી બ્રાઝિલમાં રહેતા ઉંદરને એક લાલ રંગની લાઇટ ચમકતી દેખાતાં તેણે એક લિવર દબાવ્યું અને તેને પાણી મળી ગયું હતું. તેની આ સફળતાના સંકેત ઇલેક્ટ્રોનિક ટેલિપથીનાં માધ્યમથી અન્ય ઉંદર સુધી પહોંચી ગયા હતા અને અમેરિકામાં રહેતા ઉંદરોએ પણ પોતપોતાનાં લીવર દબાવીને પાણી પીવામાં સફળતા મેળવી લીધી.
પ્રોફેસર નિકોલસને આ શોધ માટે અમેરિકાનાં સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી(ડારપા) પાસેથી ૨.૬ કરોડ ડોલરની નાણાકીય મદદ મળી છે. આ એજન્સીને જ ઇન્ટરનેટની શોધ કરવાનું શ્રેય પ્રાપ્ત થાય છે.
બ્રેઇન મશીન ઇન્ટરફેસ તરીકે ઓળખાતી આ ટેક્નિક વડે વિકલાંગ અને લકવાગ્રસ્ત લોકો રોબોટિક હાથ અને કમ્પ્યૂટરના કર્સરને હલાવી શકે છે, તેનાથી મસ્તિષ્કના સંકેત મોકલવાની પ્રક્રિયામાં સુધારો કરેની દર્દી તેનાં અંગોને વધુ એક્ટિવ બનાવી શકે છે.
 ઓર્ગેનિક કમ્પ્યુટર
નિકોલસે જોકે આ ટેક્નિકને એક ઓર્ગેનિક કમ્પ્યૂટર નામ આપ્યું છે. તે કહે છે કે, આ ટેક્નિકના માધ્યમથી વિશ્વનાં ઘણાં મસ્તિષ્કને જોડીને એક જૈવિક કમ્પ્યૂટર તૈયાર કરી શકાય છે, જે આપણું મસ્તિષ્ક પણ ઉકેલી ન શકે તેવી સમસ્યાઓનું ચપટી વગાડતાં સમાધાન કરી શકશે. નિકોલસ હવે ઉંદરો પર મળેલી સફળતા બાદ હવે વાનર પર આ ટેક્નિકનો ઉપયોગ કરવા માગે છે.

No comments:

Post a Comment