Thursday, April 4, 2013

એક એવું પ્રાણી સંગ્રહાલય જ્યાં જંગલી પ્રાણીઓ સાથે રમી પણ શકાય છે


લંડન, તા. ૩
 દુનિયાના તમામ દેશોમાં જ્યાં પ્રાણીસંગ્રહાલય હશે ત્યાં જંગલી પ્રાણીઓને ખાસ સુરક્ષા વ્યવસ્થા સાથે રાખવામાં આવ્યા હોય છે. વાઘ, સિંહ, ભાલુ જેવા પ્રાણીઓ જે કુદરતી રીતે જ ઘાતક ગણાય છે તેમની નજીક પણ જવાનું કોઈ વિચારી શકે નહીં. ખાસ કરીને વાઘ અને સિંહ જેવા ખુંખાર શિકારઓથી લોકો દૂર જ રહેવાનું પસંદ કરે. જો કે આર્જેન્ટિનામાં એવું નથી. આર્જેન્ટિના ખાતે એક ઝુ એવું છે જ્યાં લોકોને આવા ખુંખાર શિકારીઓ સાથે સમય પસાર કરવા દેવામાં આવે છે. તેમની સાથે મજાક મસ્તિ અને આરામની પળો માણવા દેવામાં આવે છે. વાત નવાઈ પમાડે તેવી છે પણ સાચી છે.
  • પ્રાણીઓને ખાસ પ્રકારની તાલીમ અપાઈ હોવાનો દાવો
  • પ્રવાસીઓ માને છે કે પ્રાણીઓને ડ્રગ્સ આપીને તન્દ્રામાં રાખવામાં આવે છે
  • ૧૯૯૪થી અત્યાર સુધી એક પણ વખત મનુષ્ય પર હુમલો થયો નથી
  • પ્રાણીઓને અપાતો ખોરાક તેમને શાંત અને હકારાત્મક બનાવે છે
આર્જેન્ટિના ખાતે આવેલા લુજાન ઝૂમાં જંગલી પ્રાણીઓને ખાસ તાલીમ આપવામાં આવી છે. તેના કારણે તેઓ મુલાકાતીઓ સાથે સામાન્ય વર્તન કરે છે. તેના પરિણામે મુલાકાતીઓ સિંહની સાથે કે વાઘની સાથે આરામથી બેસી શકે છે, તેને પંપાળી શકે છે અને ભુલને તો પોતાની સાથે બેસાડીને ભોજન પણ કરાવી શકે છે. નાના બાળકો પણ વાઘ-સિંહના બચ્ચાં સાથે મસ્તી તોફાન કરતા જોવા મળે છે. જો કે અહીં આવતા મુલાકાતીઓ માને છે કે આ પ્રાણીઓને ડ્રગ્સ આપવામાં આવે છે જેના કારણે તેઓ તંદ્રામાં રહે છે અને મનુષ્યો પર હુમલો કરતા નથી. કારણ કે આ રીતે સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ માણસો સાથે આરામથી રહે કે તેને વળગીને વ્હાલ કરી શકાય તે શક્ય જ નથી.
 ઝુના અધિકારીઓનો દાવો :
આ ઝુના અધિકારીઓ જણાવે છે કે મુલાકાતીઓની વાત ખોટી છે. અમે અહીંયા પ્રાણીઓની ખાસ દેખરેખ કરીએ છીએ. તે ઉપરાંત અહીંયાં તેમને અપાતું ભોજન અને તાલિમ આ પ્રાણીઓને હકારાત્મક અને શાંત રાખે છે. ૧૯૯૪માં આ ઝુ શરૃ કરવામાં આવ્યું હતું. તે સમયે અહીંયા માત્ર ગણતરીના પ્રાણીઓ હતા. હવે અહીંયા ઢગલા બંધ પ્રાણીઓ, સરીસૃપો, પક્ષીઓ અને ઘણું છે. મહત્ત્વની વાત એ છે કે આ ઝુ શરૃ થયું તેના પહેલાં દિવસથી લોકોને પ્રાણીઓ પાસે જવા દેવામાં આવે છે પણ પ્રાણીઓએ આજદિન સુધી ક્યારેય તેમના પર હુમલો કર્યો નથી. આ ઝુમાં પ્રાણીના જન્મથી માંડીને જ તેને ખાસ તાલીમ આપવામાં આવે છે જે તેને માણસોમાં રસ નહીં રાખવાનું શીખવે છે. તેના કારણે જ પ્રાણીઓ માણસો સાથે આરામથી રહે છે.
 ઝુમાં શું છે :
ઝુ જ્યારે શરૃ કરવામાં આવ્યું ત્યારે તેમાં એકાદ-બે આફ્રિકન સિંહ, વાંદરા, બે ગધેડા, બે પોની, હરણ અને મોર હતા. જો કે ધીરે ધીરે તેમાં વધારો થવા લાગ્યો. ખાસ કરીને જે લોકો ગેરકાયદે રીતે પ્રાણીઓને પાળતા હતા તેમની પાસેથી પ્રાણીઓ લાવીને અહીં રાખવામાં આવ્યા અને તેમને માણસો સાથે રહેવાની તાલિમ આપવામાં આવી. આ ઝુની વેબસાઈટ પર આપેલી માહિતી પ્રમાણે અત્યારે અહીંયા ૫૦ આફ્રિકન સિંહ, ૧૨ બેંગાલ ટાઈગર, ૧૨ પર્વતિય સિંહ, અને ૫૦ જેટલા અલગ અલગ પ્રજાતીના વાંદરા છે. તે સિવાય ભાલુ, હાથી, વિવિધ જાતના પક્ષીઓ અને સરીસૃપોનો પણ જમાવડો છે.

No comments:

Post a Comment